1
આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા.
2 મૂસાએ હારુનને કહ્યું, “તું ખોડખાંપણ વગરનો એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને એવો જ એક ઘેટો દહનાર્પણ માંટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર.
3 ત્યારબાદ તું ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું.
4 તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.”‘
5 આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાંણે બધું મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાએલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવીને ઊભા રહ્યા.
6 તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.”
7 પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”
8 હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો.
9 તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.
10 ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં.
11 પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું.
12 ત્યારબાદ હારુને દહનાર્પણના પ્રાણીનો વધ કર્યો. તેના પુત્રોએ તેને લોહી આપ્યું અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું.
13 પછી તેણે પ્રાણીના ટુકડાઓને માંથાં સહિત એક પછી એક તેની આગળ લઈ આવ્યા અને વેદીમાં હોમી દીધાં.
14 પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં.
15 પછી તે લોકો માંટે અર્પણ લાવ્યો, અને પોતાના પાપાર્થાર્પણની વિધિ પ્રમાંણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું.
16 પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાંણે વિધિપૂર્વક અર્પણ કર્યુ.
17 પછી તેણે ખાદ્યાર્પણ ચઢાવ્યો, તેમાંથી એક મૂઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી.
18 તેણે લોકોના શાંત્યર્પણ તરીકે બળદ અને ઘેટાનો પણ વધ કર્યો, તેના પુત્રોએ તેને લોહી આપ્યું જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
19 અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ.
20 આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું.
21 અને મૂસાની આજ્ઞા પ્રમાંણે હારુનને પશુઓની છાતીના ભાગો અને જમણી જાઘ તરીકે યહોવાને આરત્યર્પણ તરીકે ધરાવ્યો.
22 ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.
23 મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા.
24 યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.