1 1 યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”
2 યહોવાએ કહ્યું, “સૌથી પહેલા યહૂદા કુળસમૂહ હુમલો કરે. હું તેઓને તે પ્રદેશ પર વિજય અપાવીશ.”
3 યહૂદાના લોકોએ પોતાના ભાઈઓ શિમયોનના કુળસમૂહના લોકોને કહ્યું, “તમે અમાંરા ભાગના પ્રદેશમાં અમાંરી સાથે આવો અને આપણે કનાનીઓ ઉપર આક્રમણ કરીએ. ત્યારબાદ અમે પણ તમાંરા ભાગના પ્રદેશમાં આવીશું.” તેથી શિમયોનના લોકો યહૂદાના લોકો સાથે ગયા.
4 પછી તેઓએ આક્રમણ કર્યુ, અને યહોવાએ કનાનીઓ અને પરિઝઝીઓને હરાવવામાં તેઓને મદદ કરી. તેઓએ બેઝેકમાં 10,000ના સૈન્યનો સંહાર કર્યો.
5 બેઝેકમાં રાજા અદોનીબેઝેકનો ભેટો થતાઁ તેની સામે લડયા અને કનાનીઓ તથા પરિઝઝીઓને હરાવ્યા.
6 અદોનીબેઝેક ભાગી છૂટયો, પણ તે લોકોએ તેનો પીછો કરી તેને કેદ કર્યો. અને તેઓએ તેના અંગૂઠા અને તેની મોટી આંગળીઓ કાપી નાખી.
7 અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.
8 યહૂદાના લોકોએ યરૂશાલેમ ઉપર આક્રમણ કરીને તેને કબજે કર્યુ. તે લોકોએ ત્યાંના વતનીઓનો પોતાની તરવારો દ્વારા સંહાર કર્યો અને નગરને આગ ચાંપી.
9 તે પછી યહૂદાના લોકો પર્વતીય પ્રદેશ, દક્ષિણી નેગેબ અને પશ્ચિમી પર્વતીય ટેકરીઓ તરફ ગયા. તે વિસ્તારમાં રહેતા કનાનીઓ સાથે તેઓ લડયાં.
10 પછી તે લોકોએ હેબ્રોનના કનાનીઓ ઉપર હુમલો કર્યો. (એ શહેરનું નામ પહેલાં ‘કિર્યાથ-આર્બા’ હતું.) ત્યાં તેમણે શેશાય, અહીમાંન અને તાલ્માંય કુટુંબ સમૂહોને હરાવ્યા.
11 ત્યારબાદ તેઓએ દબીરના વતનીઓ ઉપર હુમલો કર્યો. (પહેલાં દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.)
12 કાલેબે વચન આપતાં કહ્યું, “જે કોઈ કિયાર્થ-સેફેર ઉપર હુમલો કરીને તેને કબજે કરશે તેને હું માંરી પુત્રી આખ્સાહ પરણાવીશ.”
13 કાલેબના નાના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે તે નગરનો કબજો મેળવ્યો, એટલે કાલેબે પોતાની પુત્રી આખ્સાહ સાથે તેના લગ્ન કર્યા.
14 જ્યારે તેઓ પરણીને પોતાને નવા ઘરે જવા નીકળ્યા ત્યારે આખ્સાહને ઓથ્નીએલ તેના પિતા પાસે એક ખેતર માંગવા સમજાવી, એટલે તે ગધેડા પરથી ઊતરી તેના પિતા પાસે ગઈ એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
15 એટલે તેણે કહ્યું, “પિતાજી, તમે મને આશીર્વાદ આપો, તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો છે, તો મને જ્યાં પાણીનાં કુદરતી ઝરણા હોય એવી જમીન આપો,” તેથી કાલેબે તેને પ્રદેશના ઉપરનાં અને નીચેનાં પાણીના ઝરણાંઓ આપ્યાં.
16 કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.
17 ત્યારબાદ યહૂદાના લોકો અને શિમયોનના કુળસમૂહના લોકો તેના ભાઈઓ સાથે જઈને સફાથમાં વસતા કનાનીઓ જેઓ યહૂદામાં રહેતાં હતાં તેમની ઉપર હુમલો કર્યો અને શહેરનો નાશ કર્યો, આથી એ શહેરનું નામ હોર્માંહ પડયું.
18 યહૂદાના લોકોએ ગાઝા, આશ્કલોન, એક્રોન અને તેની આસપાસનો પ્રદેશ કબજે કર્યો.
19 અને યહોવા, યહૂદાના લોકોની સાથે હતાં તેઓએ પર્વતીય પ્રદેશ કબજે કરી લીધો. પરંતુ તેઓ પાસે લોખંડના રથ નહિ હોવાથી નીચાણના દેશની પ્રજાને તેઓ કાઢી શક્યા નહિ.
20 મૂસાના વચન મુજબ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું! અને તેણે અનાકના ત્રણ પુત્રોને ત્યાંથી હાંકી કાઢયા.
21 પરંતુ બિન્યામીનના કુળસમૂહના લોકો યરૂશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા, તેથી આજે પણયબૂસીઓ બિન્યામીનનાં વંશજો સાથે યરૂશાલેમમાં વસે છે.
22 યોસેફના કુળસમૂહના લોકોએ બેથેલ ઉપર હુમલો કર્યો ત્યારે યહોવા તેમની સાથે હતાં.
23 તેઓએ બેથેલમાં પહેલાં જાસૂસો મોકલ્યા. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.
24 જાસૂસોએ એક માંણસને નગરમાંથી બહાર નીકળતા જોયો એટલે તેને પકડયો અને પૂછયું, “તું જો અમને નગરમાં પ્રવેશવાનો રસ્તો બતાવીશ તો અમે તારા પર કૃપા રાખીશું.”
25 તેથી તેણે નગરમાં પ્રવેશ કરવા માંટેનો રસ્તો બતાવ્યો. અને તેમણે નગરના બધા વતનીઓનો પોતાની તરવારથી સંહાર કર્યો, પરંતુ પેલા માંણસને તેના પરિવાર સાથે જીવતો જવા દીધો.
26 તે માંણસ પાછળથી હિત્તીઓના પ્રદેશમાં ચાલ્યો ગયો અને ત્યાં તેણે એક નગર વસાવ્યું અને તેનું નામ લૂઝ રાખ્યું. આજે પણ તે શહેર એ જ નામે ઓળખાય છે.
27 મનાશ્શાના કુળસમૂહના લોકોએ બેથશેઆન, તાઅનાખ, દોર, યિબ્લઆમ, મગિદોના એ શહેરો અને તેમની આજુબાજુના ગામડાંઓમાં વસતા લોકોને હાંકી કાઢયા નહિ; એ પ્રદેશમાં કનાનીઓનો પગદંડો ચાલુ રાખ્યો.
28 પાછળથી જ્યારે ઈસ્રાએલીઓ બળવાન થયા ત્યારે તેમણે કનાનીઓ પાસે ગુલામોની જેમ કામ કરાવ્યું પણ તેઓને હાંકી કાઢયા નહિ.
29 એફ્રાઈમના કુળસમૂહના લોકોએ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢયા નહી, આથી કનાનીઓએ તેમની સાથે ગેઝેરમાં રહેવાનું શરૂ કર્યુ.
30 ઝબુલોનના કુળસમૂહના લોકોએ કિટ્રોન, નાહલોલના વતનીઓને હાંકી ન કાઢયા. કનાનીઓ તેઓની ભેગાજ રહ્યાં અને તેમના ગુલામો તરીકે મજૂરી કરવા લાગ્યા.
31 આશેરના કુળસમૂહના લોકોએ આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બાહ, અફીક અને રહોબના વતનીઓને હાંકી ન કાઢયા.
32 આશેરના વંશજો ત્યાંના કનાનીઓ ભેગા જ રહેવા લાગ્યા; કારણ, તેમણે તે લોકોને હાંકી કાઢયા નહોતા.
33 નફતાલી કુળસમૂહના લોકોએ બેથશેમેશ અને બેથઅનાથના વતનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેઓ તે શહેરોના કનાની વતનીઓ ભેગા જ રહેવા લાગ્યા. આ કનાનીઓએ તેમના માંટે ગુલામો તરીકે કામ કર્યુ.
34 અમોરીઓએ દાનના કુળસમૂહના લોકોને પહાડી પ્રદેશમાં વસવા માંટે દબાણ કર્યુ અને તે લોકોને નીચે ખીણપ્રદેશમાં આવવા દીધા નહિ.
35 અમોરીઓ આયાલોનમાં આવેલા હેરેસના પર્વતમાં, અને શાઆલ્બીમમાં રહેવા ઈચ્છતા હતા, જ્યારે યૂસફનું કુળસમૂહ વધારે મજબૂત બની ગયું, ત્યારે તેઓએ અમોરીઓને ગુલામ બનાવી દીધા.
36 અદોમીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી શરુ થઈ સેલામાંથી પસાર થઈને આગળ જતી હતી.