Home |  | Audio |  | Index |  | Verses

1 કાળવ્રત્તાંત 1 Chronicles

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
1 પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો.
2 આથી દાઉદે યોઆબને અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ અને બેર-શેબાથી દાન સુધી સમગ્ર ઇસ્રાએલની વસ્તી ગણતરી કરો. અને પછી આવીને જણાવો કે, મારી પ્રજાની વસ્તી કેટલી છે.”
3 પરંતુ યોઆબે વાંધો લેતા જણાવ્યું, “યહોવા પ્રજાની વસ્તીને બમણી કરે તોયે, એ બધા આપ નામદારના સેવકો જ નથી? આપ શા માટે ઇસ્રાએલને દોષી ઠરાવવા ચાહો છો? અને તમે ઇસ્રાએલને અપરાધી શા માટે ઠેરવો છો?”
4 પરંતુ રાજાની આજ્ઞા આગળ યોઆબનું કાંઇ ચાલ્યુ નહિ. સમગ્ર ઇસ્રાએલ દેશમાં ફરીને તે યરૂશાલેમ પાછો ફર્યો.
5 યોઓબે વસતી ગણતરીના આંકડા દાઉદને આપ્યા; લશ્કરમાં જોડાઇ શકે, ને શસ્ત્ર ચલાવી શકે તેવા પુખ્ત માણસો ઇસ્રાએલમાં 11,00,000 અને યહૂદિયામાં તે 4,70,000 હતા.
6 યોઆબને રાજાની આજ્ઞા એટલી અણગમતી લાગી હતી કે તેણે લેવીની અને બિન્યામીનની ગણતરી જ કરી ન હતી.
7 આ બધી કાર્યવાહીથી દેવ નારાજ થયા અને તેથી તેણે ઇસ્રાયેલને શિક્ષા કરી.
8 એટલે દાઉદે દેવને કહ્યું, “આમ કરવામાં મેં ઘોર પાપ કર્યું છે, પણ હવે આ સેવકનો દોષ કૃપા કરીને માફ કરો. આ કામ માટે મેં ઘોર અપરાધ કર્યો છે.”
9 તેથી યહોવાએ દાઉદના પ્રબોધક ગાદને કહ્યું,
10 “જા, અને દાઉદને કહે, ‘યહોવા આ મુજબ જણાવે છે: હું તારી સમક્ષ ત્રણ વસ્તુ રજૂ કરું છું. તું ગમે તે એક પસંદ કર, અને જે તું પસંદ કરે તે પ્રમાણે હું કરીશ.”‘
11 ગાદ દાઉદ પાસે ગયો અને યહોવાએ જે કહ્યું, “તે જણાવ્યું. અને પૂછયું, ‘તું શું પસંદ કરે છે?
12 ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”
13 એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”
14 આથી યહોવાએ ઇસ્રાએલમાં રોગચાળો મોકલ્યો અને 70,000 ઇસ્રાએલીઓ મૃત્યુ પામ્યા.
15 પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.
16 દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા.
17 અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.”
18 ત્યારબાદ યહોવાના દૂતે ગાદને કહ્યું કે, “તું દાઉદને જઇને કહે કે, યબૂસી ઓર્નાનના ખળામાં યહોવાને પૂજવા એક વેદી બાંધે.”
19 યહોવાને નામે ગાદે જે કહ્યું હતું તે મુજબ દાઉદ ચાલી નીકળ્યો.
20 ઓર્નાને પાછું વળીને જોતાં દેવદૂતને જોયો. તેના પુત્રો નાસી ગયા અને છુપાઇ ગયા, પણ ઓર્નાન ઘઉં ઝૂડતો રહ્યો.
21 જ્યારે ઓર્નાને દાઉદને આવતો જોયો, ત્યારે તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
22 દાઉદે તેને કહ્યું, “તું મને તારી ખળીની જગ્યા આપ જેથી હું યહોવાને માટે યજ્ઞવેદી બાંધુ. તો જ લોકોમાં ફેલાયેલો રોગચાળો બંધ થશે. હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ.”
23 ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. આ બળદોનું પણ દહનાર્પણ કરજો, આ ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને આ ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું જ આપને સોંપી દઉં છું.”
24 પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”
25 પછી દાઉદે ઓર્નાનને એ જમીનના માટે 15 પૌન્ડ સોનું આપ્યું.
26 અને ત્યાં યહોવાને માટે તેણે વેદી બાંધી અને તેના પર તેણે દહનાર્પણ કર્યુ. તેણે તેની પર શાઁત્યર્પણ કર્યુ અને યહોવાનું આવાહન કર્યું. વેદી પર અગ્નિ ઉતારીને યહોવાએ તેને જવાબ આપ્યો.
27 યહોવાએ દૂતને તરવાર મ્યાન કરવા કહ્યું અને દૂતે તે પ્રમાણે કર્યું.
28 જ્યારે દાઉદે જોયું કે ઓર્નાનના ખળીમાં યહોવાએ તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, ત્યારે તેણે ત્યાં યજ્ઞ અર્પ્યા.
29 એ વખતે મૂસાએ વગડામાં બનાવેલો યહોવાનો પવિત્ર મંડપ અને દહનાર્પણની વેદી હજી ગિબયોનના ઉચ્ચસ્થાન પર હતા.
30 પરંતુ યહોવાના દૂતની તરવારનો દાઉદને એટલો બધો ડર લાગતો હતો કે યહોવાને દર્શને પણ જઇ શકતો નહોતો.

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]