1 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા.
2 જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં.
3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો. યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે,
4 “તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”
5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.
6 ત્યારબાદ રહાબઆમે તેના વડીલોની સલાહ લીધી, જેઓ તેના પિતા સુલેમાન, જીવતા હતાં ત્યારે તેની સાથે હતાં. તેણે પૂછયું, “આ લોકોને શું જવાબ આપવો તેની તમે મને શી સલાહ આપો છો?”
7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”
8 પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી.
9 તેણે પૂછયું, “મિત્રો, અમારા લોકો પર જે ઝૂંસરી લાદેલી હતી તેને મારે હળવી કરવી એવી એ લોકોની વિનંતી છે, તેનો જવાબ આપવાની તમે મને શુ સલાહ આપો છો?”
10 જુવાનીયાઓએ કહ્યું, “તમે તે લોકોને એવો જવાબ આપો કે, ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી વધારે જાડી છે!’
11 ‘મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને વધુ ભારે બનાવીશ, મારા પિતા તમને ચાબૂકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”‘
12 રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા.
13 રાજાએ તેઓની સાથે ઊદ્ધતાઇથી વાત કરી, વૃદ્ધ મંત્રીઓની સલાહ તેણે નકારી કાઢી.
14 અને જુવાનીયાઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને હજી વધારે ભારે બનાવીશ. મારા પિતા તમને ચાબુકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”
15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
16 રાજાનું કહ્યું સાંભળ્યા પછી ઇસ્રાએલી લોકોએ રાજા તરફ પીઠ ફેરવી અને ચાલ્યા ગયા. ગુસ્સે થઇને તેણે પોકાર કર્યો, “દાઉદ અને તેના કુટુંબને ભૂલી જાઓ! અમે અન્ય કોઇને અમારો રાજા બનાવીશું, રહાબઆમ ભલે યહૂદાના કુળ પર રાજ કરે, ચાલો આપણે ઘેર જઇએ!” પછી લોકો ચાલ્યા ગયા.
17 આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો.
18 રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું.
19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી.