Home |  | Audio |  | Index |  | Verses

એસ્તેર Esther

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10
1 1 જ્યારે મોર્દખાયે આ બધું જાણ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળી ટાટ પહેર્યુ, અને મોટા સાદે રડતો રડતો નગરમાં નીકળી પડ્યો.
2 તે છેક મહેલના દરવાજે જઇને બહાર ઊભો રહ્યો, કારણ કે ટાટ પહેરીને અંદર પ્રવેશવાની કોઇનેય પરવાનગી ન હતી.
3 જ્યાં જ્યાં રાજાની આજ્ઞા પહોંચી ગઇ તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં શોક ફેલાઇ ગયો અને લોકો ઉપવાસ કરી રડવા લાગ્યા અને છાતી કૂટવા લાગ્યા. ઘણા તો ટાટ પહેરીને રાખ પાથરીને તેમાં સૂતાં.
4 જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે તે ખૂબ દુ:ખી થઇ ગઇ. મોર્દખાય ટાટ વસ્રો કાઢી બદલી નાખે તે માટે તેણીએ વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ મોર્દખાયે તેનો અસ્વીકાર કર્યો.
5 પછી એસ્તેરે રાજાએ તેણીની સેવામાં નીમેલા ખોજા હથાખને બોલાવી, તેને મોર્દખાય પાસે જઇ તેને શેની તકલીફ છે અને શાથી, તે પૂછી લાવવાની આજ્ઞા કરી.
6 હથાક મોર્દખાય પાસે મહેલના દરવાજે ગયો.
7 અને તેણે મોર્દખાય પાસેથી તેની સાથે શું બન્યું હતું તે બધી વાત સાંભળી. હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ મોર્દખાયે તેને કહ્યો.
8 વળી તેઓનો નાશ કરવાનો હૂકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ તેણે તેને આપી કે, તે એસ્તેરને તે દેખાડે, અને તેને વિનંતી કરે કે રાજાની હજૂરમાં જઇને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને તેમને બચાવવા અરજ કરે.
9 પછી હથાકે પાછા ફર્યા બાદ મોર્દખાયનું કહેલું બધું એસ્તેરને કહ્યું.
10 એટલે એસ્તેરે હથાકને કહ્યું કે, જા, અને મોર્દખાયને આ મુજબ કહે,
11 “આ કાનૂન રાજાના બધાંજ આગેવાનો અને પ્રાંતોના બધાં જ લોકો જાણે છે કે, કોઇ પણ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી છેક અંદરના સભામંડળમાં જઇ શકતું નથી કારણ કે જે કોઇ બોલાવ્યાં વગર તેમ કરે તો તેને મૃત્યુની સજા કરવામાં આવે છે, સિવાય કે રાજા તે વ્યકિત સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે. પણ છેલ્લા એક મહિનાથી રાજાએ મને બોલાવી નથી.”
12 2એસ્તેરનો સંદેશો તેણે જઇને મોર્દખાયને કહી સંભળાવ્યો.
13 જવાબમાં મોર્દખાયે એસ્તેરને કહેવડાવ્યું, “તું એવું ના વિચારતી કે તું રાજમહેલમાં રહેતી હોવાથી જ્યારે બધાં યહૂદીઓની હત્યા થાય ત્યારે તું બચી જશે?”
14 “જો તે સમયે તું મૌન રહીશ અને યહૂદીઓને બચાવવા માટે કાઇં નહિ કરે તો બીજી કોઇ રીતે ચોક્કસ યહૂદીઓ માટે મદદ અને રાહત મોકલાશે, પરંતુ તારુ તથા તારાં પિતાના કુટુંબનો નાશ થશે. અને કોને ખબર છે કે તને રાણીપદ કદાચ આવા સમય માટે તો પ્રાપ્ત થયું હશેં?”
15 ત્યારે એસ્તેરે તેઓને કહ્યું કે, તમારે મોર્દખાયને એવો જવાબ આપવો કે,
16 જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો, ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઇએ ખાવું-પીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ પણ નિયમ વિરૂદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઇશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.
17 ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો, અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]