1
અને પછી જેવો યમિર્યાએ યહોવા તેમના દેવ તરફથી આવેલો સંદેશો લોકોને કહેવાનું પુરું કર્યુ.
2 હોશાયાના પુત્ર અઝાર્યાએ અને કારેઆહના પુત્ર યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યમિર્યાને કહ્યું, “‘તું જૂઠું બોલે છે! અમે મિસરમાં જઇએ તેવું અમારા દેવ યહોવાએ તને કહ્યું નથી!’
3 નેરિયાના પુત્ર બારૂખે અમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે અને આ પ્રમાણે અમને કહેવા તને જણાવ્યું છે, જેથી અમે અહીં વસવાટ કરીએ અને બાબિલનું સૈન્ય આવે ત્યારે તે અમને મારી નાખે અથવા ગુલામો તરીકે અમને બાબિલ લઇ જાય.”
4 તેથી યોહાનાને, સૈનાનાયકોએ અને સર્વ લોકોએ યહોવાનું કહ્યું કરવાની અને યહૂદિયામાં રહેવાની ના પાડી.
5 આથી યોહાનાન અને સૈનાનાયકોએ યહૂદિયાના બાકી રહેલા લોકોને,
6 એ બધી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અને રાજકુમારીઓ જેને રક્ષકોના નાયક નબૂઝારઅદાને ગદાલ્યાને સોંપ્યાં હતાં, અને પ્રબોધક યમિર્યા, નેરિયાના પુત્ર બારૂખને પણ.
7 તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા.
8 તાહપાન્હેસમાં યહોવાએ ફરીથી યમિર્યા સાથે વાત કરી, અને કહ્યું:
9 “તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે.”
10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ‘સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હું ચોક્કસ અહીં મિસરમાં લાવીશ. કારણ કે તે મારો સેવક છે. આ જે પથ્થરો મેં જડેલાં છે તેના પર હું તેનું સિંહાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો રાજવી મંડપ ઊભો કરશે.”
11 તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે.
12 તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે.
13 તે મિસરમાંના બેથ-શેમેશના પૂજાસ્તંભો તોડી પાડશે; અને મિસરના દેવોના મંદિરો બાળી મૂકશે.”‘