1
“હે મનુષ્યના પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર લઇ તારુ માથું અને દાઢી મૂંડી નાખ. પછી ત્રાજવા લઇને તેં ઉતારેલા વાળના ત્રણ સરખા ભાગ કર.
2 તેં દોરેલા યરૂશાલેમના નકશાના મધ્યભાગમાં ત્રીજા ભાગના વાળ મૂક, ઘેરો પૂરો થયા પછી તેને ત્યાં બાળી નાખ. બીજા એક તૃતીયાંશ ભાગને તારા નકશા પરના યરૂશાલેમ નગરની આસપાસ તરવારથી કાપી નાખ, વાળના છેલ્લા ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દે. કારણ કે હું મારા લોકોનો તરવારથી પીછો પકડીશ.
3 એ વાળમાંથી થોડા લઇને તારા ઝભ્ભાની ચાળમાં વીંટી દેજે.
4 તેમાંથી થોડા વાળ લઇને દેવતામાં નાખી બાળી મૂકજે. એમાંથી અગ્નિ પ્રગટી સમગ્ર ઇસ્રાએલી પ્રજામાં વ્યાપી જશે.”
5 યહોવા મારા માલિક કહે છે: “યરૂશાલેમને જુઓ, તેને મેં પૃથ્વીની મધ્યમાં ગોઠવી છે અને બીજા દેશો એની આજુબાજુ આવેલા છે.
6 પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”
7 આથી યહોવા મારા માલિક કહે છે, તમારી બાજુના પડોશીઓ કરતાં તમે વધારે દુષ્ટ છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી; મારા નિયમોનું પાલન કર્યું નથી; તમે તમારી આજુબાજુની બીજી પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું.”
8 તેથી, યહોવા મારા માલિક, કહે છે કે, “હું પોતે તમારી વિરુદ્ધ છું: હું બધાની હાજરીમાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ.
9 તમારા બધા ધૃણાજનક આચારોને કારણે હું તમને એવી સજા કરીશ જેવી મેં કદી કરી નથી, ને ભવિષ્યમાં કદી કરવાનો નથી.
10 પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.”
11 યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ.
12 તમારી વસ્તીનો ત્રીજો ભાગ રોગચાળાથી અને ભૂખમરાથી માર્યો જશે અને ત્રીજો ભાગ શહેરની ફરતે યુદ્ધમાં તરવારથી કપાઇ જશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને ઉઘાડી તરવારથી તેમનો પીછો કરીશ.
13 એ રીતે મારો ક્રોધ શમી જશે. હું તેમના પર મારો રોષ વરસાવીશ, ત્યારે જ મને શાંતિ વળશે. મારો ક્રોધ હું તેમના પર પૂરેપૂરો ઉતારીશ ત્યારે એમને ખબર પડશે કે, હું યહોવા પુણ્યપ્રકોપથી આ બોલ્યો હતો.”
14 દેવ કહે છે, “હું તમને ખંડિયેરનો ઢગલો બનાવી દઇશ અને આસપાસની પ્રજાઓ અને જતાઆવતા લોકો તમારી હાંસી ઉડાવશે.
15 હું જ્યારે તને રોષે ભરાઇને સજા કરીશ ત્યારે આજુબાજુની પ્રજાઓ ભયથી થરથર કાંપશે અને તું એમને માટે હાંસીપાત્ર બની જઇશ અને તેમના માટે ચેતવણી રૂપ તથા અચંબારૂપ થઇ જઇશ; હું યહોવા આમ બોલ્યો છું.
16 હું મારા દુકાળરૂપી જીવલેણ બાણો છોડીશ; તે તમારો જીવ લઇ લેશે, હું મારા જીવલેણ બાણો છોડ્યા કરીશ અને તમારા અનાજના ભંડારો ખાલી કરીને તમારી વચ્ચે ભૂખમરો વધારીશ.
17 હું તમારી સામે દુકાળને અને જંગલી પશુઓને મોકલીશ, તેથી તમારા પર મોત અને ખૂનરેજી ફરી વળશે; તમે મારી તરવારનો ભોગ બનશો, આ હું યહોવા બોલ્યો છું.”