1 હે યિઝએલ! તારા ભાઇ બહેનનું પુન:નામકરણ કર. ભાઇનું નામ આમ્મી અને બહેનનું નામ રૂહામાહ રાખ, કારણકે હવે દેવ તેના પર દયા રાખશે.
2 તમારી માને આજીજી કરો, તેને સમજાવો: કારણકે તે મારી પત્ની નથી, ને હું તેનો ધણી નથી; તેને સમજાવો કે, તે તેનો વારાંગના તરીકેનો વ્યભિચાર બંધ કરે.
3 જો તે તેમ કરતાં નહિ અટકે તો હું તેને તેના જન્મ સમયે હતી તેવી નગ્ન કરી દઇશ અને તેને વેરાન સ્થળે મોકલી આપીશ. હું તેને મરુભૂમિ સમી સૂકીભઠ બનાવી દઇશ અને તેને પાણી વિના તરસે મરવા દઇશ.
4 જ્યાં સુધી તેના સંતાનોનો સબંધ છે, મને તેમનાં પર સહાનુભૂતિ નથી; કારણકે તેઓ મારા સંતાનો નથી. તેઓ એક વારાંગનાના સંતાનો છે.
5 તેણીને તેનો ગર્ભધારણ પોતાના શરમજનક કાર્યોથી થયો છે અને તેણીએ કહ્યું, “હું મારા પ્રેમીઓની પાસે જઇશ, કારણ, તેઓ મને મજાનું ખાવાનું, પીવાનું, કપડાં, તેલ અને અત્તર આપે છે.”
6 એથી જો, હું એના માર્ગમાં કાંટાની વાડ ઊભી કરીશ અને તેની આડે ભીત ચણીશ, જેથી તેણી જે કઇ કરવા માંગે છે, તે નહિ કરી શકે.
7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પકડી શકશે નહિ; તે તેઓને શોધશે છતાં તેઓ તેને મળશે નહિ; ત્યારે તે કહેશે કે, હું મારા પતિને ઘેર પાછી ફરીશ, કારણકે અત્યારે મારી જે સ્થિતિ છે તેના કરતાં તેની સાથે મારી સ્થિતિ વધારે સારી હતી.
8 એ સમજતી નહોતી કે, એને અનાજ, દ્રાક્ષારસ અને તેલ આપનાર હું હતો, અને એણે બઆલ દેવ પાછળ ખચીર્ નાખ્યું તે મબલખ સોનું-ચાંદી આપનાર પણ હું હતો. તેથી હવે હું અનાજ કે, દ્રાક્ષ પાકવા દઇશ નહિ, અને એનું ઉઘાડું શરીર ઢાંકવા મેં જે પહેરવા-ઓઢવાનું આપ્યું હતું, તે પણ પાછું લઇ લઇશ.
9 તેથી તેના પ્રેમીઓ આગળ તેની શરમ ઉઘાડી પાડીશ. મારા હાથમાંથી તેને કોઇ બચાવી શકશે નહિ.
10
11 હું તેનાઁ તમામ આનંદોત્સવ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પવોર્, તે સર્વનો હું અંત આણીશ.
12 જે દ્રાક્ષની વાડીઓ અને અંજીરના વૃક્ષો વિષે તે એમ કહે છે કે, ‘એ તો મારા પ્રેમીઓએ મને આપેલી ભેટ છે.’ હું તેને ઉજ્જડ બનાવી દઇશ, અને હું તેઓને જંગલમાં ફેરવી નાખીશ અને જંગલી પ્રાણીઓ તેને ખાઇ જશે.
13 મને ભૂલીને તે બઆલની મૂર્તિ આગળ ધૂપ બાળતી હતી. અને આભૂષણોનો શણગાર કરીને પ્રેમીઓની પાછળ ફરતી હતી. તે માટે હું તેને સજા કરીશ.” આ યહોવાના વચન છે.
14 તેથી હવે, હું તેણીને વેરાન પ્રદેશ તરફ મોહિત કરીશ અને તેની સાથે માયાળુપણે વાત કરીશ.
15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.
16 યહોવા કહે છે, તે દિવસે તે મને “મારા માલિક” કહેવાને બદલે ‘મારા પતિ’ એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે.
17 હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.
18 તે દિવસે હું તમારી અને હિંસક પ્રાણીઓ, પક્ષીઓ તથા સપોર્ની વચ્ચે કરાર કરીશ કે, તમારે હવે એકબીજાથી ગભરાવું નહિ, હું સર્વ શસ્રોનો નાશ કરીશ, સર્વ લડાઇઓનો અંત આવશે, ત્યારે તમે શાંતિ અને સુરક્ષા અનુભવશો અને નિર્ભય રીતે સૂઇ શકશો.
19 વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ.
20 વિશ્વાસુપણા તથા પ્રેમથી હું તારી સાથે સગાઇ કરીશ. અને તું તારા યહોવાને ઓળખશે.
21 યહોવા કહે છે કે, તે દિવસે હું જવાબ આપીશ, હું આકાશોને જવાબ આપીશ, ને તેઓ પૃથ્વીને જવાબ આપશે;
22 પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને અને જૈતતેલને જવાબ આપશે; અને તેઓ યિઝએલને જબાબ આપશે.
23 હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ. મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ, હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, તમે અમારા દેવ છો.”