નાહૂમ Nahum

પ્રકરણમાં: 1 2 3
1 આ લોહી તરસી નગરી, નિનવેહને અફસોસ! દગાફટકાથી અને લૂંટથી તું ભરેલી છે છતાં હજી શિકાર કરવાનું બંધ કર્યુ નથી.
2 સાંભળ! રસ્તાઓ પર થઇને જતા રથોનો ગડગડાટ, તેના પૈડાનો અવાજ, ઘોડાની ખરીઓનો અવાજ અને ચાબૂકોનો અવાજ.
3 ધસતા ઘોડેસવારો, ચમકતી તરવારો, ઝળહળતા ભાલાઓ, અસંખ્ય માણસો હણાય છે, મૃતદેહોના ઢગલા સર્વત્ર છે, માણસો મૃતદેહો પર થઇને જાય છે! મૃતદેહોનો કોઇ પાર નથી!
4 આ સર્વનું કારણ એ છે કે, નિનવેહ એક વેશ્યા જેવી બની ગઇ છે, જાદુક્રિયામાં પ્રવીણ નિનવેહનગરે પોતાની સુંદરતાથી વેશ્યાગીરીથી પ્રજાઓને લોભાવી અને તેઓને જાળમાં ફસાવી દીધા. નિનવેહે તેના જાદુથી પરિવારોને આકષિર્ત કર્યા.
5 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે નિનવેહ, હું તારી વિરૂદ્ધ છું અને પ્રજાઓ અને રાજ્યો આગળ તને ઉઘાડી પાડી તને બેઆબરૂ કરીશ.
6 હું તારા પર કંટાળાદાયક ગંદકી નાખીશ, તારો અનાદર કરીશ, ને તને હાસ્યજનક રીતે પ્રદશીર્ત કરીશ.
7 જેઓ તેને જોશે તે કહેશે, ‘નિનવેહ ધૂળધાણી થઇ ગયું.’ કોઇ એને માટે વિલાપ નહિ કરે, એને આશ્વાસન આપનાર શોધ્યો જડે એમ નથી.”
8 શું તું તેના-આમોનનગર કરતાં પણ ચડિયાતી છે, જે નીલ નદીને કાંઠે વસેલું હતું. જેની ચારેકોર પાણી હતું, નદી જેનો ગઢ હતો અને પાણી જેનો કોટ હતો?
9 તેને પક્ષે કૂશ અને મિસરની સૈનાનું અમાપ બળ હતું. અને પૂટ તથા લૂબીઓને બોલાવીને તે સહાય પ્રાપ્ત કરી શકતું હતું.
10 તેમ છતાં તે બંદીવાન થયું, તેણે દેશવટો ભોગવવો પડ્યો. શેરીના નાકે તેના બાળકોને માર મારીને મારી નાખવામા આવ્યાં, તેના માનવંતા માણસો ચિઠ્ઠી નાખી વહેંચાયા. અને સાંકળમાં જકડાયા.
11 નિનવેહ પણ પીધેલાની માફક લથડીયાં ખાશે અને ભયભીત બની શત્રુઓથી સંતાઇ જશે. અને તું પણ શત્રુને લીધે આશ્રયસ્થળ શોધશે.
12 તારા બધા કિલ્લાઓ તો અંજીરી પરના પાકાં અંજીર જેવા છે. જરા હલાવતા તે ખાનારાના મોમાં આવી પડે છે.
13 તારા સૈનિકો સ્ત્રીઓની જેમ નિર્બળ અને લાચાર બની જશે. તારા દેશના દરવાજાઓ શત્રુ માટે પૂરા ઉઘાડી નાખવામાં આવશે, અને તે દરવાજાઓ અગ્નિથી ભસ્મીભૂત કરી દેવામાં આવશે.
14 તેથી હુમલા માટે પાણીનો સંગ્રહ કર, તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને ખાંડણી બનાવ અને ઇંટના બીબાં હાથમાં લે!
15 અગ્નિ તને ભરખી જશે, તરવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ સ્વાહા કરી જશે.તીડની જેમ વધારે થશે.
16 તેં આકાશના તારા કરતાં તારા વેપારીઓની સંખ્યા વધારી, પરંતુ તેઓ પણ તીડ તેની પાંખો ઊતર્યા પછી જેમ ઊડી જાય છે તેમ ઊડી ગયા.
17 તારા સરદારો તીડ જેવા છે અને શાસન અધિકારીઓ તીડના ટોળા જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડો પર આરામ કરે છે. સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે. ક્યાં ગયા તેની કોઇને ખબર પડતી નથી.
18 હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે; તારા લોકો પર્વતો પર વિખેરાઇ ગયા છે, તેઓને એકત્ર કરવા હવે કોઇ પાળક નથી.
19 તારી વેદનાને બિલકુલ રાહત નથી; તારો ઘા પ્રાણઘાતક છે; જે કોઇ તારી પડતીના સમાચાર સાંભળે છે, તે તાળીઓ પાડે છે; કારણકે એવો કોઇ છે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય? 

ટોચ Top | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]