1
ઈસુએ લોકોને સમજાવવા માટે બીજી દૃષ્ટાંત વાર્તાઓ કહીં:
2 “આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય.
3 રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી.
4 “પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’
5 “નોકરો ગયા અને લોકોને ભોજન માટે આવવાનું કહ્યું, પણ લોકોએ નોકરોને સાંભળવાની ના પાડી દીઘી, તેઓ પોતાના બીજા કામે ચાલ્યા ગયા. એક પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો. જ્યારે બીજો પોતાના ધંધા પર ચાલ્યો ગચો.
6 થોડા બીજાઓએ નોકરોને પકડ્યા, તેમને માર્યા અને મારી નાંખ્યા.
7 રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું.
8 “પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા.
9 તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’
10 તેથી નોકરો શેરીઓમાં ગયા. તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા. આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો.
11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં.
12 રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ.
13 એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’
14 “કેમકે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે.”
15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ.
16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે.
17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”
18 ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો?
19 તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો.
20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?”
21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”
22 ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા, અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા.
23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું.
24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે.
25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો.
26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું.
27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”
29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી.
30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય.
31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે?
32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”
33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.
34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા.
35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો.
36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’
38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે.
39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’
40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.”
41 જ્યારે બધા ફરોશીઓ ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને પ્રશ્ન પૂછયો.
42 ઈસુએ કહ્યું, “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?”તેઓએ ઉત્તર આપ્યો, “તે દાઉદનો દીકરો છે.”
43 ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે.
44 ‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે: જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે; ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’ ગીતશાસ્ત્ર
11 0:1
45 દાઉદે તેને ખ્રિસ્ત પ્રભુ કહ્યો તો એ તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”
46 ઉત્તરમાં કોઈ કશું જ બોલી શક્યા નહિ. તે સમય પછી તેઓએ બીજા પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.