Home |  | Audio |  | Index |  | Verses

રોમનોને પત્ર Romans

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
1 દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે.
2 તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે.
3 જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે.
4 શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે.
5 તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો.
6 અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે.
7 જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.
8 કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે.
9 હું આમ શા માટે કહું છું? કારણ કે નિમયશાસ્ત્ર કહે છે, “તારે વ્યભિચારનું પાપ ન કરવું જોઈએ, ખૂન ન કરવું, કશાયની ચોરી ન કરાય, બીજા લોકોની વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા ન કરાય.”આ અને બીજી બધી આજ્ઞાઓ કે આદેશો ખરેખર તો એક જ નિયમમાં સમાઈ જાય છે: “જે રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો, એ જ રીતે પોતાના પડોશી પર પણ પ્રેમ કરો.”
10 પ્રેમ બીજા લોકોને ઈજા કે દુ:ખ પહોંચાડી શકતો નથી. તેથી, નિયમના બધા જ આદેશોનું પાલન કરવું કે તેને પ્રેમ કરવો એ બધું એક જ છે.
11 આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે.
12 “રાત”લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ”ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ.
13 પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ.
14 પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]