1 ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે.
2 ફક્ત આકાશની વસ્તુઓ વિષે જ વિચાર કરો, પૃથ્વી પરની વસ્તુઓ વિષે નહિ.
3 તમારી જૂની પાપી જાત મૃત્યુ પામી છે, અને ખ્રિસ્ત સાથે દેવમાં તમારું નવું જીવન ગુપ્ત રાખેલ છે.
4 ખ્રિસ્ત જ તમારું જીવન છે. જ્યારે તેનું પુનરાગમન થશે, ત્યારે તમે તેના મહિમાના સહભાગી બનશો.
5 એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.
6 એ કામો દેવને ક્રોધિત કરે છે.
7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે.
8 પરંતુ હવે તમારા જીવનમાં આ વસ્તુઓને જાકારો આપો: જેવી કે રીસ, બીજા લોકોની લાગણી દુભાવે તેવી વસ્તુઓ બોલવી કે કરવી, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો.
9 એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે.
10 તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે.
11 નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
12 દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો.
13 એકબીજાને સહન કરો, એકબીજાને માફ કરો. જો કોઈ વ્યક્તિ તમારી વિરુંદ્ધ કોઈ અનુચિત આચરણ કરે, તો તેને તમે માફ કરો. બીજા લોકોને માફ કરો કારણ કે પ્રભુએ તમને માફ કર્યા છે.
14 આ બધી જ બાબતો કરો; પરંતુ તે બધાથી મહત્વપૂર્ણ એ છે કે, તમે એકબીજાને પ્રેમ કરો. તમને દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળતું બંધન જ પ્રેમ છે.
15 ખ્રિસ્ત જે શાંતિ પ્રદાન કરે છે તેના વડે તમારા વિચારોને નિયંત્રિત થવા દો. શાંતિ પ્રાપ્તિ અર્થે તમે બધા એક જ શરીરબનવા માટે તેડાયેલા છો. હમેશા આભારસ્તુતિ કરો.
16 ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો.
17 તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો.
18 પત્નીઓ, તમારા પતિની સત્તાને આધીન રહો. પ્રભુમાં આ કામ કરવાની સુયોગ્ય બાબત છે.
19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ કરો, અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ.
20 બાળકો, તમારા માબાપોની દરેક આજ્ઞાને અનુસરો, આ પ્રભુને પ્રસન્ન કરે છે.
21 પિતાઓ, તમારા બાળકોને ચીડવો નહિ. જો તમે તેમના પ્રત્યે કઠોર બનશો, તો પછી તેઓ પ્રયત્નો કરવાનું જ છોડી દેશે.
22 દાસો, તમારા પૃથ્વી પરના માલિકોની દરેક આજ્ઞા પાળો. તમારો માલિક તમને જોઈ શકે તેમ ન હોય તેવા સમયે પણ તમારા માલિકની આજ્ઞાઓનું પાલન કરો. તમે તો ખરેખર લોકોને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યા નથી, તમે તો પ્રભુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરી રહ્યા છો. તેથી પ્રામાણિકપણે આજ્ઞાપાલન કરો કારણ કે તમે પ્રભુનો આદર કરો છો.
23 તમે જે કરી રહ્યા છો તે દરેક કાર્યમાં, તમે જેટલું થઈ શકે તેટલું શ્રેષ્ઠ કામ કરો. એ રીતે કામ કરો, જાણે લોકો માટે નહિ, પરંતુ પ્રભુ માટે કાર્ય કરી રહ્યા છો.
24 યાદ રાખો કે પ્રભુ તરફથી તમને બદલો મળવાનો છે. તે તમને, તેણે જે તેના લોકોને વચન આપેલું તે પ્રદાન કરશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છો.
25 યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ અનુચિત કાર્ય કરશે તે તેના અનુચિત કાર્યને કારણે સજાને પાત્ર બનશે. પ્રભુ ને ત્યાં પક્ષપાત નથી.