Home |  | Audio |  | Index |  | Verses

1 તિમોથીને 1 Timothy

પ્રકરણમાં: 1 2 3 4 5 6
1 હુ જે કહુ છું તે સાચું છે: જો કોઈ વ્યક્તિ મંડળીનો અધ્યક્ષ બનવાનો સખત પ્રયત્ન કરતી હોય. તો તેની ઈચ્છા કઈક સારું કામ કરી બતાવવાની છે.
2 મંડળીનો અધ્યક્ષ ઘણો સજજન હોવો જોઈએ જેથી લોકો તેની ટીકા કરી ન શકે. તેને એકજ પત્ની હોવી જોઈએ. તે માણસ આત્મ-સંયમી અને ડાહ્યો હોવો જોઈએ. બીજા લોકોની નજરમાં તે માનનીય, આદરણીય હોવો જોઈએ. લોકોને પોતાના ઘરમાં આવકારીને તેઓને મદદ કરવા તે તત્પર રહેવો જોઈએ. તે એક સારો શિક્ષક હોવો જોઈએ.
3 તે અતિશય મદ્યપાન કરતો હોવો ન જોઈએ, અને તે એવી વ્યક્તિ ન જ હોવી જોઈએ કે જેને ઝઘડવાનું ગમતું હોય. તે વિનમ્ર અને સહનશીલ, શાંતિપ્રિય હોવો જોઈએ. એ માણસ એવો ન હોવો જોઈએ કે જે દ્રવ્યલોભી હોય.
4 તે તેના પોતાના કુટુંબનો પણ એક સારો વડીલ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે તેના બાળકો પૂરા આદરભાવથી તેની આજ્ઞા પાળતા હોવા જોઈએ.
5 (જો કોઈ માણસને તેના પોતાના જ કુટુંબનો સારો વડીલ બનતાં ન આવડે, તો તે દેવની મંડળીની સંભાળ લઈ શકશે નહિ.)
6 પરંતુ કોઈ નવો વિશ્વાસુ અધ્યક્ષ થઈ ન શકે. જો કોઈ નવા વિશ્વાસીને મંડળીનો અધ્યક્ષ બનાવવામાં આવે, તો શક્ય છે કે તે પોતે અભિમાનથી છકી જાય. એમ થાય તો, જે રીતે શેતાન ધિક્કારને પાત્ર થયો હતો, તેમ એના અભિમાની વર્તન માટે એનો પણ એ રીતે ન્યાય કરવામાં આવશે. તેનું અભિમાન શેતાન જેવું જ થશે.
7 મંડળીના સભ્ય ન હોય એવા બહારના લોકોનો પણ આદર તેના પ્રત્યે હોવો જોઈએ. તો પછી બીજા લોકો તેની ટીકા કરી શકશે નહિ, અને તે શેતાનની જાળમાં ફસાઈ નહિ જાય.
8 એ જ પ્રમાણે, જે માણસો સેવકો તરીકે સેવા આપતા હોય તેઓ એવા હોવા જોઈએ કે જેમને લોકો માન આપી શકે. જે ખરેખર તેઓને સમજાતી ના હોય તેવી વાતો આ માણસોએ કહેવી ન જોઈએ, તેઓએ સમજી-વિચારીને વાણી ઉચ્ચારવી જોઈએ. અને અતિશય મદ્યપાન કરવા પાછળ તેઓએ પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. તેઓ એવા માણસો હોવા ન જોઈએ કે જે હમેશા બીજા લોકોને છેતરીને પૈસાદાર થવાનો પ્રયત્ન કરતા હોય.
9 દેવે જે સત્યનું આપણને દર્શન કરાવ્યું છે, તેના તેઓ શિષ્યો હોવા જોઈએ. અને તેમણે હમેશા જે કઈ ન્યાયી લાગે તે જ કરવું જોઈએ.
10 પાઉલ તિમોથીને કહે છે એ લોકોની પહેલેથી જ તારે પરખ કરી લેવી જોઈએ. જો એમનામાં તને કોઈ અપરાધ ન જ્ણાય તો તેઓ મંડળીના સેવકો તરીકે સેવા આપી શકે.
11 એ જ રીતે, જે સ્ત્રી સેવામાં છે તે બીજા લોકોની નજરે આદરણીય હોવી જોઈએ. તે સ્ત્રીઓ એવી હોવી ન જોઈએ કે જે બીજા લોકો વિષે ખરાબ નિંદા કરતી હોય. તેઓનામાં આત્મ-સંયમ હોવો જોઈએ અને તેઓ એવી હોવી જોઈએ કે દરેક વાતે એમનામાં વિશ્વાસ મૂકી શકાય.
12 સેવકો તરીકે સેવા આપનાર પુરુંષોને એકજ પત્ની હોવી જોઈએ. તેઓનાં પોતાનાં બાળકો અને કુટુંબોના તેઓ સારા વડીલ તરીકે નીવડેલા હોવા જોઈએ.
13 સારી રીતે સેવા કરતા માણસો પોતાના માટે માન-સન્માનભર્યુ સ્થાન બનાવે છે. તે લોકોને ખ્રિસ્ત ઈસુમાં પોતાના વિશ્વાસ વિષે પાકી ખાતરીનો અનુભવ થશે.
14 મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું.
15 પછી, જો કદાચ હુ જલ્દી આવી ન શકુ, તો દેવના કુટુંબના સભ્યોએ જે ફરજો બજાવવી જોઈએ તે તું જાણી લે તે કુટુંબ તો જીવતા દેવની મંડળી છે. અને દેવની મંડળી તો સત્યનો આધાર અને મૂળભૂત સ્તંભ અને પાયો છે.
16 બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે.તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો; તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું; દૂતોએ તેને દીઠો; બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો; આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]