Home |  | Audio |  | Index |  | Verses

તિતસનં પત્ર Titus

પ્રકરણમાં: 1 2 3
1 શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ.
2 વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.
3 વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ.
4 એ રીતે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ અને બાળકોને પ્રેમ રાખવાનું શીખવવું જોઈએ.
5 જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.
6 એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે.
7 જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન.
8 અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.
9 અને જે લોકો દાસો તરીકે સેવા આપે છે તેઓને તું આ બધું કહેજે: તેઓએ હંમેશા પોતાના ધણીની આજ્ઞા પાળવી જોઈએ, તેઓએ પોતાના ધણીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; તેઓએ પોતાના ધણીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ;
10 તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.
11 આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે.
12 તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ.
13 આપણા મહાન દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોતાં આપણે એ રીતે જીવવું જોઈએ. તે જ તો આપણી મહાન આશા છે, અને તેનું આગમન મહિમાવંત હશે.
14 તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.
15 આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]