1
આપણને જે કંઈ મુખ્ય મુદ્દા કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખયાજક છે અને તે આકાશમાં દેવ પિતાના રાજ્યાસનની જમણી બાજુએ સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજેલો છે.
2 આપણા પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં ખરા મંડપમાં સેવા કરી રહ્યા છે. જે પવિત્રસ્થાનને દેવે સ્થાપિત કર્યુ છે, નહિ કે લોકોએ.
3 દરેક પ્રમુખયાજક દેવ સમક્ષ અર્પણો અને બલિદાનો લાવવા માટે નિમાયેલા છે કે જે આપણા પ્રમુખયાજકે પણ કઈક સમર્પણ કરવાનું છે.
4 જો આપણા પ્રમુખયાજક આજે પૃથ્વી પર જીવતા હોત તો તે યાજક બન્યા ન હોત, કારણ કે અહીં તો હજુયે નિયમશાસ્ત્ર પ્રમાણે દેવને દાનાર્પણ કરનારા યહૂદિ યાજકો છે.
5 પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું:“પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે જ તું પૃથ્વી પર મંડપની રચના કર.”
6 પણ ખ્રિસ્તને આકાશમાં સોંપાયેલી સેવા જૂના નિયમ પ્રમાણે સેવા કરનાર યાજકો કરતાં ઘણી જ ચઢિયાતી છે અને વધુ ચઢિયાતા વચન પર આધારીત દેવ અને મનુષ્યો વચ્ચે તેમણે સ્થાપેલો નવો કરાર જૂના કરાર કરતાં વધુ ચઢિયાતા વચનો પર આધારીત છે.
7 જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત.
8 દેવની દષ્ટિમાં લોકો દોષિત ઠરતા હતા તેથી તેણે કહ્યું:“પ્રભુ કહે છે, એવો દિવસ આવશે કે, જ્યારે હું ઈસ્રાએલ અને યહૂદિયાના લોકોને નવો કરાર આપીશ.
9 જ્યારે તેઓના પૂર્વજોને હાથ પકડીને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યો હતો તેનાં કરતાં આ કરાર જુદો હશે.
10 દેવ કહે છે: ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે.
11 હવે પછી કોઈને પોતાના પ્રજાબંધુ અથવા તેના ભાઈને કહેવાની આવશ્યકતા નહિ રહે કે, પ્રભુને ઓળખ કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધાજ લોકો ઓળખશે.
12 તેઓએ જે કાંઈ અપરાધો મારા વિરૂદ્ધ કર્યા હશે તેને હું માફ કરીશ, અને તેઓનાં પાપોને કદી યાદ નહિ કરું.” યર્મિયા 31:31-34
13 દેવ આને નવો કરાર કહે છે, તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો. અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે.