1 ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેરિત સિમોન પિતર તરફથી તમને કુશળતા હો. અમારામાં છે તેવો મૂલ્યવાન વિશ્વાસ જે બધા લોકોમા છે, તે સર્વને આપણા દેવ અને તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ.
2 કૃપા અને શાંતિ વધુ ને વધુ પ્રમાણમાં તમને પ્રદાન થાઓ. તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થશે કારણ કે તમે ખરેખર દેવ અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો.
3 ઈસુ દૈવી સાર્મથ્ય ધરાવે છે. તેના સાર્મથ્ય આપણને એ દરેક વાનાં આપ્યાં છે જેની આપણને જીવવા અને દેવની સેવા માટે આવશ્યકતા છે. આપણે તેને જાણીએ છીએ તેથી આપણી પાસે આ વાનાં છે. ઈસુએ તેના મહિમા અને સાત્ત્વિકતાથી આપણને બોલાવ્યા.
4 તેના મહિમા અને સાત્ત્વિકતાથી, ઈસુએ આપણને આપેલાં તે ઘણા મહાન અને સમૃદ્ધ દાનો પ્રદાન કર્યા અને તેથી મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યા છે જેથી તે દ્ધારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને દૈવી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
5 કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો;
6 અને તમારા ચારિત્રમાં જ્ઞાન અને તમારા જ્ઞાનમાં સ્વ-નિયંત્રણ; અને તમારા સ્વ-નિયંત્રણમાં ધીરજ ઉમેરો અને તમારી ઘીરજમાં દેવની સેવા;
7 અને દેવ પ્રત્યેની તમારી સેવામાં તમારા ખ્રિસ્તમય ભાઇઓ-બહેનો માટે કરૂણા; અને ભાઈ-બહેનોમાટેની કરૂણામાં પ્રેમ ઉમેરો.
8 જો આ બધી બાબતો તમારામાં હોય અને તે વિકાસ પામતી રહે, તો આ બાબતો તમને ક્યારેય નિરુંપયોગી બનવા દેશે નહિ. આ બાબતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કદાપિ અયોગ્ય ઠરવા દેશે નહિ.
9 પરંતુ જો વ્યક્તિ પાસે આ બાબતો ન હોય, તો તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તે વ્યક્તિ અંધ છે. તે ભુલી ગઇ છે કે તે તેના ભૂતકાળના પાપોથી શુદ્ધ થયો હતો.
10 મારા ભાઇઓ અને બહેનો, પ્રભુએ તમને તેડ્યાં છે અને તેના બનવા માટે તમને પસંદ કર્યા છે. એવું દર્શાવવા વિશેષ પ્રયત્ન કરો કે જેથી સાબિત થાય કે ખરેખર તમે જ પ્રભુના પસંદ કરાયેલ અને તેડાયેલ લોકો છો. જો તમે આ બધી બાબતો કરશો તો તમે કદી ઠોકર ખાશો નહિ.
11 અને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં તમારું ઈષ્માભર્યુ સ્વાગત કરવામા આવશે. તે રાજ્ય સર્વકાળ છે.
12 તમે આ બાબતો જાણો છો. તમને જે સત્ય પ્રગટ થયું છે તેમાં તમે ઘણા સ્થિર છો. પરંતુ આ બાબતોનું સ્મરણ કરાવવામાં હું હંમેશ તમને મદદ કરીશ.
13 જ્યાં સુધી હું અહીં આ પૃથ્વી પર જીવિત હોઉ ત્યાં સુધી હું માનું છું કે મારા માટે તમને આ બાબતોનું સ્મરણ કરાવવું તે યોગ્ય જ છે.
14 હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે.
15 હંમેશા તમને મદદરૂપ બનવા આ બાબતોનું સ્મરણ કરાવવા શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયત્નો હું કરતો રહીશ. મારા ચાલ્યા ગયા પછી તમે આ બાબતોને હંમેશા યાદ રાખવા શક્તિમાન બનો એમ હું ઈચ્છું છું.
16 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાર્મથ્ય અને આગમન વિશે અમે તમને જણાવ્યું છે. તેના આગમન વિશે અમે તમને જણાવ્યું હતું. જે બાબત વિશે અમે તમને જણાવેલ તે લોકો દ્ધારા ઘડી કાઢવામાં આવેલી ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ ન હતી. ના! અમારી પોતાની આંખો દ્ધારા અમે ઈસુની મહાનતા જોઈ.
17 ઈસુએ સૌથી મોટા ભવ્ય મહિમાની વાણી સાંભળી હતી. દેવ બાપ તરફથી જ્યારે ઈસુએ માન અને મહિમા પ્રાપ્ત કર્યો ત્યારે તેમ બન્યું. તે વાણીએ કહ્યું કે, “આ મારો વહાલો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેનાથી હું ખૂબ પ્રસન્ન છું.”
18 અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી.
19 પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે.
20 સૌથી મહત્વપૂર્ણ, તમારે સમજવું જ પડે કે: પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન કોઈ એક વ્યક્તિએ કરેલું પોતાનું અર્થઘટન નથી.
21 ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.