1
યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે કહે: જો કોઈ સ્ત્રી કે પુરુષ ‘નાજીર’ થઈને યહોવાની સેવા કરવાનું ખાસ વ્રત લે,
3 તો યહોવાને કરેલા સમર્પણના પૂર્ણ સમય દરમ્યાન તેણે દ્રાક્ષારસનો અને કેફી પીણાનો ત્યાગ કરવો, તદુપરાંત તેણે દ્રાક્ષામાંથી બનાવેલું કોઈ પણ પ્રકારનું પીણું પીવું નહિ, કે દ્રાક્ષ કે કિસમિસ ખાવી નહિ.
4 જયાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષમાંથી કોઈ પણ વસ્તુ દ્રાક્ષના બી કે છાલ પણ ખાવા નહિ!
5 “વળી એ સમય દરમ્યાન તેણે વાળ કપાવવા નહિ, કારણ કે તેનું વ્રત ચાલુ હોય છે, અને જયાં સુધી વ્રત પૂરું પૂર્ણ ન થાય ત્યાં સુધી તે દેવને સમર્પિત થયેલો છે તેથી તેણે પોતાના વાળ વધારવા જોઈએ.
6 “તેણે લીધેલા વ્રતના સર્વ દિવસો દરમ્યાન તેણે કદી મૃતદેહ નજીક જવું નહિ.
7 તેનાં માંતા-પિતા કે ભાઈ બહેન મરી જાય તો પણ તેણે મૃતદેહ નજીક જઈ પોતાની જાતને અશુદ્ધ કરવી નહી, કારણ તેના માંથા પરના વાળ તેના દેવના સમર્પિત થયાની નિશાની છે.
8 વ્રતના પૂરા સમય દરમ્યાન તે ‘નાજીર’ વ્રતી હોવાથી ત્યાં સુધી તે યહોવાને સમર્પિત થયેલ છે.
9 “પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તે અશુદ્ધ બને, તો સાત દિવસ પછી તેણે પોતાના અશુદ્ધ થયેલા માંથાના વાળ કપાવવા. કારણ કે તે દિવસે તેની શુદ્ધિ થાય છે.
10 અને આઠમાં દિવસે તેણે પવિત્ર મંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ બે હોલા અથવા કબૂતરના બે બચ્ચાં લાવવાં.
11 યાજકે એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનાર્પણ તરીકે ચઢાવીને તે માંણસના પાપનો પ્રાયશ્ચિતવિધિ કરવો, કારણ કે તે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયો હતો. તે સમયે વ્યક્તિ ફરીથી પોતાના વાળ કપાવ્યા વિના દેવને સમર્પિત કરશે.
12 અને તે જ દિવસે તેણે ‘નજીરી’ ના વ્રતની નવેસરથી શરૂઆત કરીને વાળ વધારવા. આ અગાઉના તેના સમર્પણના દિવસો ગણવામાં આવશે નહિ, કારણ, તેનો વ્રતભંગ થયો હતો જેના દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું.
13 “યહોવાની સેવા માંટેના ‘નાજીરી’ વ્રતની સમય પૂર્ણ થતાં તે દિવસે તેણે નીચે પ્રમાંણે વિધિ કરવી; તેને પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.
14 અને ખોડ વિનાના એક વર્ષનાં નર ઘેટાનું દહનાર્પણ, ખોડ વિનાની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાનું શાંત્યાર્પણ કરવું:
15 તથા એક ટોપલી ભરીને મોહેલા લોટની બેખમીર રોટલી તથા તેલ ચોપડેલા બેખમીર ખાખરા, અને ખાધાર્પણ તથા પેયાર્પણ તે ચઢાવે.
16 “યાજકે આ બધું યહોવાને ઘરાવવું અને તે માંણસનાં પ્રથમ પાપાર્થાર્પણ અને દહનાર્પણ ચઢાવવાં.
17 પછી તેણે નર ઘેટાને યહોવા સમક્ષ શાંત્યાર્પણ તરીકે સમર્પિત કરવું. રોટલીની ટોપલી, ખાધાર્પણ અને પેયાર્પણ સાથે તે યહોવાને અર્પણ કરશે.
18 “નાઝારી’ વ્રત ધારણ કરનારે પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવાં, અને એ સમર્પિત કરી શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં હોમી દેવા.
19 “વ્રતધારીએ વાળ ઉતરાવ્યા પછી યાજકે નર ઘેટાનો બાફેલો ખભો તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લઈને તેના હાથમાં મૂકવાં.
20 ત્યારવાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાની સમક્ષ ઝુલાવે. એ અર્પણો યાજકને માંટેનો પવિત્ર ભાગ ગણાય છે. એની ઉપરાંત, ઘેટાની છાતીનો ભાગ અને જાંધ દેવને ઘરવા, આ અર્પણો પણ યાજકના ગણાય, હવે તે વ્યક્તિ નાજીરી વ્રતમાંથી મુક્ત થઈને ફરી દ્રાક્ષારસ પી શકે છે.
21 “નાજીરી’ માંટે અને બલિદાનો માંટેના આ નિયમો છે. ‘નાજીરી’ થવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે તેણે અન્ય અર્પણો માંટે વચન આપ્યું હોય તો નક્કી કરેલાં બલિદાનો સાથે તે અર્પણો પણ લાવીને ચઢાવવાં.”
22 પછી યહોવાએ મૂસાને કહ્યું,
23 “હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે:
24 યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;
25 યહોવાની તમાંરા પર કૃપાદૃષ્ટિ અને મહેરબાની થાવ.
26 યહોવા તમાંરા પર પ્રસન્ન હો અને તમને શાંતિ આપો.”
27 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રીતે હારુન અને તેના પુત્રો માંરા આશીર્વાદ ઇસ્રાએલી લોકોને આપે અને હું પોતે વ્યક્તિગત માંરા આશીર્વાદ તેઓને આપીશ.”