Home |  | Audio |  | Index |  | Verses

અયૂબ Job

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42
1 અયૂબે કહ્યું, “શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી? શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?
2 એ તો આતુરતાથી છાંયડાની રાહ જોનાર સેવક અને પોતાના પગારની રાહ જોનાર મહેનતાણુ લઇ કામે રહેલા કામદાર જેવી છે.
3 મારે અર્થહીન મહિનાઓ અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે.
4 હું જ્યારે સૂવા જાઉ છું ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’ રાત્રિ પસાર થયા કરે છે. હું સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.
5 મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે. મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે.
6 મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે, અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.
7 દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે. હું ફરી કંઇ સારું જોઇશ નહિ.
8 દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.
9 જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે, જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ.
10 તે પોતાને ઘેર ફરી કદી પાછો ફરશે નહિ, તે કુટુંબથી અને ઘરથી હમેશ માટે દૂર થઇ જશે.
11 મને મારો ઊભરો ઠાલવવા દો, મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ. હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
12 હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી? શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છંુ કે તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 જ્યારે હું એમ કહું છું, “હવે પથારીમાં સૂઇ જાઉં ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.
14 ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો. અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને મરી જાઉ તો વધારે સારું.
16 હવે હું ત્રાસી ગયો છું. મારે કાયમ માટે જીવવું નથી. મને એકલો રહેવા દો. મારા જીવનનો કોઇ અર્થ નથી!
17 દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો? તમારે શા માટે તેને માન આપવું જોઇએ? તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?
18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 શા માટે તમે મને છોડી દેતાં નથી? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી?
20 દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય, કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું? તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે? જેથી હું બોજારૂપ થઇ ગયો છું?
21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી? તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી? થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ. તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]