1 દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે.
2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.
3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે.
5 તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે.
7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે.
8 નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.
9 યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
10 તે દિવસે રાજા, યશાઇનો વંશજ લોકોને એકત્ર કરવા ધ્વજારૂપ બની રહેશે. દેશવિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે. તે અને તેનું નિવાસસ્થાન મહિમાવંતુ થશે.
11 તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;
12 પ્રજાઓની સમક્ષ “ધ્વજા” ફરકાવીને, તે પૃથ્વીના ચારે ખૂણેથી ઇસ્રાએલ અને યહૂદાના વેરવિખેર થઇ ગયેલા લોકોને ભેગા કરશે.
13 ન તો ઇસ્રાએલ યહૂદાની ઇર્ષ્યા કરશે કે, ન તો યહૂદા ઇસ્રાએલનું દુશ્મન રહેશે.
14 તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.
15 યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય.
16 યહોવાના લોકો ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો જ માર્ગ એ લોકોના જેઓ આશ્શૂરમાં બાકી રહેલા હશે તેમને માટે પણ નિર્માણ થશે.