1
જુઓ, એવો સમય આવશે જ્યારે રાજા ન્યાયથી રાજ્ય કરશે અને અમલદારો ન્યાયથી તેનો અમલ ચલાવશે.
2 તે લોકો ઇસ્રાએલને તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડશે. તે તેને રણમાં વહેતી નદી જેવી તાજગી આપશે. ઇસ્રાએલ માટે તે ગરમ અને સૂકા પ્રદેશમાં શીતળ છાંયો આપનાર મહાન ખડક સમાન બનશે.
3 પછી, જેઓ જોઇ શકે છે તેમની આંખો બંધ નહિ થાય અને જેઓ સાંભળી શકે છે તેમના કાન શ્રવણ કરશે.
4 ઉતાવળા માણસો જોઇ વિચારીને વર્તન કરશે, અને જે લોકો બોલતાં થોથવાય છે તે સ્પષ્ટ બોલશે.
5 ત્યારબાદ મૂર્ખર્ને કોઇ ખાનદાન નહિ કહે, કે ધૂર્તને કોઇ આદરપાત્ર નહિ કહે.
6 કારણ કે મૂર્ખ મૂર્ખની જેમ બોલે છે, અને તે મનમાં દુષ્ટ મનસૂબા ઘડે છે. તે અધર્મ આચરે છે, યહોવા વિષે પણ વિપરીત બોલે છે, ભૂખ્યાને ભૂખ્યું રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.
7 અને પેલા ધૂર્તની રીત પણ દુષ્ટ હોય છે; તે દુષ્ટ યુકિત પ્રયુકિતઓ વાપરે છે, તે રંક લોકોને દુ:ભવવાનો પ્રયત્ન કરે છે અને તેમને કાયદાના ન્યાયાલયમાં ઠગે છે.
8 છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.
9 એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!
10 હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.
11 હે એશઆરામી સ્ત્રીઓ, કંપી ઊઠો! હે બેદરકાર સ્ત્રીઓ, ધ્રૂજી ઊઠો! તમારા રોજબરોજના વસ્રો દૂર કરો અને શણના કપડાં પહેરીલો.
12 પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો.
13 તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.
14 કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.
15 પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે.
16 ત્યારે સમગ્ર મરુભૂમિમાં અને લીલી ધરતીમાં સર્વત્ર ઇનસાફ અને ન્યાય વાસો કરશે,
17 અને ન્યાયીપણાને પરિણામે કાયમી શાંતિ અને સુરક્ષા રહેશે.
18 ત્યારે મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સુરક્ષાભર્યા તંબુઓમાં નિશ્ચિંત થઇને રહેશે.
19 પરંતુ જંગલો નાશ પામશે; નગરનો ધ્વંસ થશે.
20 સુખી છો તમે જેઓ દરેક ઝરણાની ધારે બી વાવો છો અને તમારા બળદોને અને ગધેડાને ચરાણમાં છૂટથી ચરવા દો છે.