1 સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા “મુખ્ય” રાષ્ટના નામાંકિત માણસો જેઓ પાસે “ઇસ્રાએલના લોકો” આવે છે. કેવી ત્રાસજનક તમારી દશા થશે! દુર્ભાગ્ય તમારું!
2 કાલ્નેહ નગર જઇને જુઓ, ત્યાંથી મહાન હમાથનગર જાઓ, અને ત્યાંથી પલિસ્તીઓના ગાથ શહેરમાં જાઓ, એ રાજ્યો કરતાં તમારી દશા શું સારી છે? અથવા તેમનો વિસ્તાર તમારા કરતાં શું વિશાળ છે?
3 જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો. અને તમારા કાર્યોથી ન્યાયકાળના દિવસોને પાસે લાવો છો.
4 તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.
5 તમે અર્થ વગરના ગીતો કામચલાઉ તંતુવાદ્ય વીણાના સૂર સાથે ગાઓ છો; તમે પોતા માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવો છો.
6 તમે પ્યાલા ભરીને દ્રાક્ષારસ પીઓ છો અને પોતાના શરીરે મોંઘામાં મોંઘા અત્તર લગાવો છો, પણ દેશ ઉપર ઝઝૂમતી પાયમાલીની તમને પડી નથી!
7 તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે.
8 મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:“હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં. અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે. એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ, આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”
9 જો કોઇ ઘરમાં દશ વ્યકિતઓ પાછળ રહી ગઇ હશે તો તેઓ મરી જશે.
10 મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”અને તે જવાબ આપશે, “ના.”ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.”
11 કેમકે, જુઓ, યહોવા આદેશ આપી રહ્યા છે. તે મોટા ઘરોને ભાંગીને ભૂક્કો કરી નાંખશે અને નાના ઘરના નાના ટૂકડાં કરી નાખશે.
12 શું ઘોડો ખડક માર્ગ પર દોડી શકે? શું બળદ ખડકો પર ખેડી શકે? એવું પૂછવું તે પણ મૂર્ખતા છે. તમે તો તેના કરતા પણ વધારે મૂર્ખ હતા? તમે ન્યાયને વિકૃત કરીને ઝેર જેવો બનાવ્યો છે અને દુષ્ટ વાતવરણ પેદા કર્યુ છે. અને પ્રામાણિકતાના ફળોને કડવા બનાવ્યા છે.
13 તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો, અને તમે જ કહો છો, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”
14 હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.