Home |  | Audio |  | Index |  | Verses


આમોસ Amos

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9
1 યહોવા દેવે મને આ દ્રશ્ય બતાવ્યું: પ્રથમ લણણી પછી પહેલો પાક રાજાને કર તરીકે અપાતો, જ્યારે બીજો પાક ફૂટી નીકળતો. યહોવાએ તીડનુંસર્જન કર્યું.
2 તે તીડો ખેતર પરનું ઘાસ ખાઇ ગયા ત્યારે મે કહ્યું, “હે સૈન્યોનો દેવ યહોવા અમને માફ કરો.” આ પછી ઇસ્રાએલીઓ કેવી રીતે જીવતા રહી શકે? કેમકે તેઓ નાના છે તે માટે.”
3 તેથી યહોવાને આ વિષે પશ્ચાત્તાપ થયો; તેમણે મને કહ્યું, “હું તે થવા દઇશ નહિ.”
4 સૈન્યોનો દેવ યહોવાએ મને આ બીજું દ્રશ્ય બતાવ્યું: સૈન્યોનો દેવ યહોવા અગ્નિપરીક્ષા કરવા બોલાવતાં હતાં. તેણે મોટા સાગરને સૂકવી નાખ્યો અને જમીનને ભસ્મિભૂત કરી દીધી.
5 ત્યાં મેં કહ્યું, “હે યહોવા દેવ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ. તમે જો તેઓની વિરૂદ્ધ થાઓ તો તેઓ પાસે બીજી કઇ આશા છે? ઇસ્રાએલ ઘણું નાનું છે.”
6 યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો, યહોવા દેવ કહે છે, “એ પણ થશે નહિ.”
7 પછી યહોવાએ મને દ્રશ્ય બતાવ્યું. પોતે હાથમાં ઓળંબો પકડીને ભીંત પાસે ઊભા છે. દીવાલની સપાટી માપવા માટે ઓળંબો વપરાય છે.
8 યહોવાએ મને પુછયું, “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઓળંબો.”યહોવાએ કહ્યું, “હું મારા લોકોની આ ઓળંબાથી પરીક્ષા લઇશ, હું તેઓના ખોટા કાર્યોની સજા આપ્યા વગર જવા દઇશ નહિ.
9 ઇસહાકનાઁ વંશજોના થાનકો ખેદાનમેદાન થઇ જશે. ઇસ્રાએલનાઁ પવિત્રસ્થાનો ખંડેર થઇ જશે. યરોબઆમના વંશને હું તરવારને ઘાટ ઉતારીશ.”
10 પછી બેથેલના યાજક અમાસ્યાએ આમોસના વચનો સાંભળ્યાં ત્યારે તેણે યરોબઆમ રાજા પર ઝડપથી સંદેશો મોકલ્યો: “આપણા દેશમાં આમોશ રાજદ્રોહી છે, અને તમારા મરણ માટે કાવતરું ઘડે છે. આ બાબત અસહ્ય છે. તેના લીધે કદાચ દેશમાં બળવો ફાટી નીકળશે.
11 તે કહે છે કે, ‘યરોબઆમ યુદ્ધમાં માર્યો જશે, અને ઇસ્રાએલના લોકોએ નિશ્ચિત તેઓનો દેશ છોડવો પડશે અને દેશવટો લઇ જવું પડશે.”‘
12 વળિ અમાસ્યાએ આમોસને કહ્યું, “ઓ થઇ પડેલા દ્રષ્ટા, ભાગ! યહૂદિયાના દેશમાં ચાલ્યો જા! અને ત્યાં તારો પ્રબોધ કર. અને રોટલો ખા.
13 પણ હવે પછી તારા દર્શનોથી અહીં બેથેલમાં પ્રબોધ કરીશ નહિ. કારણકે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”
14 પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું.
15 હું ઘેટાઁનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, ‘જા અને મારા ઇસ્રાએલના લોકોને પ્રબોધ કર.’
16 એટલે હવે તું યહોવાના વચન સાંભળ: ‘તું મને એમ કહે છે કે, તું ઇસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરૂદ્ધ બોલીશ નહિ.’
17 પરંતુ યહોવાનો સંદેશો આ છે, ‘અમાસ્યા, તારી પત્ની શહેરની વારાંગના બનશે, અને તારા સંતાનોની હત્યા થશે. તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે, તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, ને ઇસ્રાએલી લોકોને કેદ પકડી તેમના દેશમાંથી તેમને દેશવટો દેવામાં આવશે.”‘

ટોચ Top | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]