1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ, ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે. મારો માલિક તેમની મજાક કરે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે, દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ. યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા થયો છુ.”
8 તું મારી પાસે માગ, એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે, સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો, જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય. કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે. જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.