1 હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો, શત્રુ તરફના ભયથી મને ઉગારો.
2 દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે. તેમનાથી મને છુપાવી દો.
3 તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે. તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઇને વીંધવા માટે તૈયાર છે.
4 તેઓ જાડીમાં છુપાય છે અને નિદોર્ષો ઊપર તેમનાં તીર ચલાવે છે. તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે. આમ કરતાં તેઓ ગભરાતા નથી.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે; અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે: “અમને અહીં જોનાર કોણ છે?”
6 તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે; તેઓનાં હૃદયનાં ઊંડાણમાં દુષ્ટ વિચારો અને ખરાબ યોજનાઓ છે.
7 પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે, અને એકાએક તેઓને વીંધી નાંખશે.
8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે. અને તેઓ ઠોકર ખાશે; જે કોઇ તેઓને જોશે તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.
9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે. અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે અને દેવનાં અદ્ભૂત કાર્યો વિષે બીજાઓને શીખવશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે. તે દેવ પર આધાર રાખે છે. અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.