1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ; શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ; સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ; વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે, તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે. પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્ અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ, અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ; અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે. તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે. તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે, ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે, અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે, તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે; અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે, અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે, અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ. અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ. અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે કે તમારી કૃપા અમારા પર થાય.