1 1 હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
2 નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
3 હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ; મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
4 હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ, અને વીણા પર મારો મર્મ ખોલીશ.
5 જ્યારે સંકટો આવે છે ત્યારે, ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે, તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
7 તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી; દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
8 માનવ-જીવનની એટલી મોટી કિંમત છે કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
9 જેથી તે સદાકાળનું જીવન પામે, અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે, અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે. અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે, જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય; અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી. જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો, અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે. શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે. જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.
15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.
16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે, અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા, તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી; તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.